Android Phone: એન્ડ્રોઈડ ફોન બની રહ્યા છે વધુ સલામત વર્ષ ૨૦૦૮થી ગૂગલે ગૂગલ આઇ/ઓ નામે એક વાર્ષિક ઇવેન્ટ શરૂ કરી છે. આ ઇવેન્ટ દરમિયાન, એક કંપની તરીકે ગૂગલ કેવાં ઇનોવેશન્સ લાવી રહી છે તેના વિશે ગૂગલના ટોચના એક્ઝિક્યૂટિવ્સ નાના ઓડિયન્સ સમક્ષ લાઇવ પ્રેઝન્ટેશન્સ આપતા હોય છે અને દુનિયાભરના લોકો તેમાં ઓનલાઇન જોડાઈ શકે છે.

હમણાં યોજાયેલી આ વર્ષની આ ઇવેન્ટમાં ધાર્યા મુજબ બધી વાતના કેન્દ્રમાં એક જ વાત રહી - આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઇ).

આ ઇવેન્ટ દરમિયાન ગૂગલે અનેક નવી જાહેરાતો કરી. ખાસ કરીને એઆઇ માટે જેમિનીનાં નવાં મોડેલ્સ અને એન્ડ્રોઇડના લેટેસ્ટ વર્ઝનની પણ નવી ખૂબીઓની તેમાં વાત થઈ.

આપણે એ બધી ટેકનિકલ વાતો બાજુએ રાખીને, આપણા પોતાના રોજિંદા જીવનમાં ઉપયોગી થઈ શકે તેવી અને ખાસ તો સ્માર્ટફોનમાં આપણી પ્રાઇવસી અને સિક્યોરિટી બંને જાળવી રાખવામાં મદદરૂપ થાય એવી કઈ નવી કરામતો આવી રહી છે તેના પર ફોકસ કરીએ.

એન્ડ્રોઇડ ફોનમાં આવી રહેલો સૌથી મોટો ફેરફાર ફોનની ચોરી સમયે રક્ષણ સંબંધિત છે. કંપની આવે સમયે આપણી મદદ કરવા માટે એઆઇની મદદથી સંખ્યાબંધ નવા ફીચર્સ ઉમેરી રહી છે. આ ફીચર્સ બરાબર સમજી લઇએ તો ફોનની ચોરી પહેલાં, ચોરી સમયે અને ચોરી થયા પછી પણ, ખાસ કરીને આપણો ડેટા સલામત રહી શકે છે. સારી વાત એ છે કે આ નવાં સેફ્ટી ફીચર્સ ગૂગલ પ્લે સર્વિસમાં અપડેટ દ્વારા મળશે. મતલબ કે એન્ડ્રોઇડ ૧૦ કે ત્યાર પછીનું વર્ઝન ધરાવતા કોઈ પણ ફોનમાં તેનો લાભ મળી શકશે. અલબત્ત કેટલાંક ફીચર્સ માત્ર નવા એન્ડ્રોઇડ ૧૫માં મળશે.

સૌથી પહેલાં તો, ફોન ચોરાય એ જ સમયે, એઆઇની મદદથી ફોનની સિસ્ટમ જાણી જશે કે ફોન ચોરાઇ રહ્યો છે! જો કોઈ વ્યક્તિ આપણો ફોન ચોરીને ભાગવાનો પ્રયાસ કરે તો ફોનની અણધારી મૂવમેન્ટ પરથી એઆઇ સમજી જશે કે ફોન આપણા હાથમાંથી ખેંચાઈ ગયો છે, એ સાથે ફોનનો સ્ક્રીન આપોઆપ લોક થશે!

એ પછી, જો ચોર ફોનને લાંબો સમય ઇન્ટરનેટથી ડિસ્કનેક્ટેડ રાખવાનો પ્રયાસ કરે તો ફોન ઓફલાઇન હોય ત્યારે પણ તેનો સ્ક્રીન ઓટોમેટિકલી લોક થઈ જશે. એ જ રીતે, ફોનમાં ઘૂસવા માટે વારંવાર પિન/પાસવર્ડ આપવાના વારંવાર ખોટા પ્રયાસો કરવામાં આવે તો પણ ફોન આપોઆપ લોક થશે.

નવાં ફીચર્સ ફોનને રિસેટ કરવાનું પણ મુશ્કેલ અથવા કહો કે અર્થ વગરનું બનાવી દેશે. આમ તો એન્ડ્રોઇડમાં લાંબા સમયથી ફોનને ફેકટરી રિસેટ કરવા સામે પ્રોટેકશન આપતું ફીચર છે. હવે તેને અપગ્રેડ કરવામાં આવ્યું છે. આ ફીચર ફોન ચોરાઇ જાય એવા સંજોગમાં ફોનમાંંના ડેટાને પ્રોટેક્ટ કરે છે. જો ચોર ફોનને મુખ્ય પિન કે પાસવર્ડ વિના ફેકટરી રિસેટ કરવાનો પ્રયાસ કરે તો તે પછી આપણા ફોનના પિન, પાસવર્ડ કે ગૂગલ એકાઉન્ટના યૂઝરનેમ પાસવર્ડ વિના ફોનને ફરી સેટઅપ કરી શકાતો નથી, મતલબ કે ફોનનો કોઈ ઉપયોગ જ રહેતો નથી.

બીજી તરફ, માની લો કે આપણો ફોન કોઈ નજીકની વ્યક્તિએ સેરવી લીધો હોય અને તે ફોનનો પિન પણ જાણતી હોય, તો પણ ફોનનાં મહત્ત્વનાં સેટિંગ્સ સુધી પહોંચતાં પહેલાં કે તેમાં ફેરફાર કરતાં પહેલાં આપણી ફિંગરપ્રિન્ટ કે ફેસઆઇડી જેવા બાયોમેટ્રિક્સની જરૂર પડશે. મતલબ કે ફોન ચોરનાર વ્યક્તિ ફોનનાં મહત્ત્વનાં સેટિંગ્સ આપણી જાણ બહાર બદલી શકશે નહીં. ‘પ્રાઇવેટ સ્પેસ’ નામના નવા ફીચરનો હેતુ પણ ફોન ચોરાય તે પહેલાં ડેટાને વધુ સલામત બનાવવાનો છે.

ફોન ચોરાયા પછી હાલમાં આપણે ‘ફાઇન્ડ માય ડિવાઇસ’ ફીચરની મદદથી અન્ય કોઈ ડિવાઇસમાંથી ગૂગલ એકાઉન્ટમાં લોગઇન થઈને ફોનને ફેકટરી રિસેટ કરવા સહિતનાં વિવિધ પગલાં લઈ શકીએ છીએ. પરંતુ એ માટે ગૂગલ એકાઉન્ટના યૂઝરનેમ-પાસવર્ડની જરૂર પડે છે. નવા ફીચર અનુસાર, અન્ય કોઈ પણ ડિવાઇસમાંથી ફક્ત ફોન નંબર આપીને અને એક ક્વિક સિક્યોરિટી ચેલેન્જ પસાર કરીને ફોનને દૂર બેઠાં લોક કરી શકીશું.

આપણો ફોન ભલે કોઈ ચોરના હાથમાં ન આવે પરંતુ કોઈ પરિચિત પણ નિકટનું સ્વજન ન હોય એવી વ્યક્તિ, જેમ કે ઓફિસના કોઈ સાથી કર્મચારીના હાથમાં અનલોક્ડ સ્થિતિમાં આવે ત્યારે ચોક્કસપણે આપણે એવું ઇચ્છીએ કે ફોનમાંની અમુક એપ એ વ્યક્તિ ન જુએ. 

તમારા ફોનમાં બધી એપ્સ પર શાંતિથી એક નજર ફેરવી જુઓ અને પછી વિચારો કે ચોરના હાથમાં આપણો ફોન સાવ ખુલ્લી સ્થિતિમાં પહોંચી જાય, તો એ શું શું જોઈ શકે અને શું શું કરી શકે?! ફોન ચોરના હાથમાં હોય ત્યારે તો આપણે ચોક્કસપણે ઇચ્છીએ કે ચોર બેંક એપ્સ, પેમેન્ટ એપ, ઇન્વેસ્ટમેન્ટ એપ વગેરે સુધી પહોંચી ન શકે.

અત્યારે ફોનમાંની જુદી જુદી એપ આપણે અલગ અલગ રીતે લોક્ડ રાખી જ શકીએ છીએ. એ ઉપરાંત મોટા ભાગની, બેંક કે પેમેન્ટ એપ જેવી સંવેદનશીલ એપ ઓપન કરતી વખતે તેને આપણે અનલોક કરવી જ પડે છે.

નવા ફીચરથી આ આખી વાતને હજી વધુ સલામત બનાવવામાં આવી રહી છે.

એન્ડ્રોઇડમાં એ માટે ‘પ્રાઇવેટ સ્પેસ’ નામે નવું ફીચર આવી રહ્યું છે.

એક રીતે પ્રાઇવેટ સ્પેસ ફોનમાંની એપ્સ માટે સિક્યોર ફોલ્ડર જેવું કામ કરશે. આપણે જે એપ ખાનગી રાખવા માગતા હોઇએ એ બધી જ એપ આ નવી પ્રાઇવેટ સ્પેસમાં રાખી શકીશું. આ પ્રાઇવેટ સ્પેસ આપણી ફિંગરપ્રિન્ટ કે અન્ય રીતે લોક્ડ રહેશે. તેના સુધી પહોંચવા માટે આપણે (કે અન્ય કોઈ વ્યક્તિએ) તેને અનલોક કરવી પડશે. પ્રાઇવેટ સ્પેસમાં રાખેલી બધી એપ્સનો તમામ ડેટા પણ અન્ય એપ્સથી અલગ રહેશે અને તેના સુધી સહેલાઈથી પહોંચી શકાશે નહીં. એટલું જ નહીં પ્રાઇવેટ સ્પેસમાં રાખેલી એપ્સના નોટિફિકેશન્સ પણ અન્ય લોકો જોઈ શકશે નહીં.

મતલબ કે પ્રાઇવેટ સ્પેસની મદદથી મહત્ત્વની તમામ એપ્સને આપણે અન્ય લોકોથી છુપાવી રાખી શકીશું. ફોનમાં પ્રાઇવેટ સ્પેસ ઓન છે અને તેમાં એપ્સ મૂકવામાં આવી છે તેવો અન્ય વ્યક્તિને અણસાર પણ ન આવે તે રીતે આ ફીચર ડિઝાઇન કરવામાં આવ્યું છે!

ગૂગલ પ્લે સ્ટોરમાં ‘પ્લે પ્રોટેક્ટ’ નામની એક વ્યવસ્થાથી રોજની લગભગ ૨૦૦ અબજ એન્ડ્રોઇડ એપ્સનું સ્કેનિંગ થતું રહે છે. એ રીતે ત્રણ અબજથી વધુ યૂઝર્સને એપમાંના માલવેરથી સુરક્ષિત રાખવામાં આવે છે.

હવે તેમાં એઆઇનો લાભ ઉમેરાઈ રહ્યો છે. ‘લાઇવ થ્રેટ ડિટેકશન’ નામના નવા ફીચરથી ડિવાઇસમાંની જ એઆઇની મદદથી ફોનમાંની એપ્સ અને સર્વિસ આપણા ફોનમાંની વિવિધ બાબતોની પરમિશન્સનો કેવી રીતે ઉપયોગ કરે છે તે સતત તપાસવામાં આવશે. તેમાં કંઈ શંકાસ્પદ લાગે તો તેની વિગતો, આપણી પ્રાઇવસી જોખમાય નહીં તે રીતે ગૂગલને મોકલવામાં આવશે અને પછી આપણને ચેતવીને જોખમી એપ્સ ડિસેબલ કરવામાં આવશે. આ વર્ષના અંત સુધીમાં સંખ્યાબંધ કંપનીના એન્ડ્રોઇડ ફોનમાં આ ફીચર ઉમેરાઈ જશે.

લગભગ તમામ પ્રકારના ઓનલાઇન ફ્રોડના મૂળમાં એક જ કારણ હોય છે - આપણો ઓટીપી ખોટા હાથમાં પહોંચી જાય. ઓટીપી મેળવવા માટે ઠગ લોકો અનેક રસ્તા અપનાવે છે, એક રસ્તો ફોનમાં કોઈ ને કોઈ માલવેર ઘુસાડવાનો છે.

જો ફોનમાં આવો કોઈ માલવેર હોય તો તે નોટિફિકેશનમાં ડિસ્પ્લે થતો ઓટીપી ‘સૂંઘીને’ ઠગના ફોનમાં ફોરવર્ડ કરી દે છે.

આ જોખમનો સામનો કરવા માટે એક તરફ, લાઇવ થ્રેટ ડીટેક્શનથી, નોટિફિકેશન કે મેસેજ રીડ કરવાની પરમિશનનો કોઈ એપ કેવો ઉપયોગ કરે છે તે સતત તપાસવામાં આવશે, બીજી તરફ આપણા ઓટીપી નોટિફિકેશનમાં જોવા મળે જ નહીં એવું સેટિંગ પણ આવી રહ્યું છે. સ્માર્ટવોચ જેવા સ્માર્ટફોન સાથે કનેક્ટેડ ડિવાઇસમાંની એપ્સ અપવાદ રહેશે, એ સિવાય ફોનમાં નોટિફિકેશનમાં ઓટીપી દેખાય નહીં તો તે ફોનમાંના અન્ય માલવેર વાંચી લે તેવી શક્યતા ઘણી ઘટી જાય છે.

ઓનલાઇન ફ્રોડ કરતા લોકો કોઈ ને કોઈ રીતે તેમની ઓળખ છૂપી રહે એવી રીતે આપણને કોલ કરતા હોય છે કે એસએમએસ મોકલતા હોય છે. એ સિવાય સેલ્યુલર ફોન નેટવર્ક પર આપણે કોઈ સાથે વાતચીત કરતા હોઇએ કે આપણા ડિવાઇસ સાથે એસએમએસની આપલે થતી હોય ત્યારે તેમાં ‘લંગસિયું’ નાખીને ઠગ ટોળકી આપણી વિગતો આંતરી શકે છે. એન્ડ્રોઇડમાં ઉમેરાઈ રહેલા નવા ફીચરને કારણે આવું કોઈ જોખમ ધ્યાનમાં આવે તો ફોનની સિસ્ટમ આપણને તરત ચેતવશે કે તમારો ડેટા ટ્રાફિક કે એસએમએસ આંતરવાની કોશિશ થઈ રહી છે!

આજના સમયમાં વીડિયો કોલિંગથી કમ્યુનિકેશન જબરજસ્ત વધ્યું છે. આખી દુનિયાના જુદા જુદા ખૂણે બેઠેલા લોકો વીડિયો મીટિંગના માધ્યમથી એકમેક સાથે ચર્ચા કરી શકે છે. આવી એપમાં સ્ક્રીન શેરિંગની સુવિધા હોય છે, જેનો લાભ લઇને મીટિંગમાં સામેલ કોઈ વ્યક્તિ પોતાના ડિવાઇસના સ્ક્રીન પર જે કંઈ દેખાતું હોય તે મીટિંગમાં સામેલ અન્ય લોકો સાથે શેર કરી શકે છે.

બીજી બાજુ, ફેસબુક કે યુટ્યૂબ જેવા પ્લેટફોર્મ પર લાઇવ વીડિયો શેર કરતા લોકો પણ ઘણી વાર પોતાનો સ્ક્રીન શેર કરીને તેમાંની બાબતો અન્ય લોકોને બતાવતા હોય છે.

આ બંને સ્થિતિમાં આપણો સ્ક્રીન અન્ય લોકોને લાઇવ દેખાઈ રહ્યો હોય, બરાબર એ જ સમયે આપણા માટે કોઈ મહત્ત્વપૂર્ણ મેસેજ નોટિફિકેશન તરીકે આવી પડે તો તે મીટિંગમાં સામેલ કે લાઇવ વીડિયો જોઈ રહેલા તમામ લોકોને દેખાઈ જવાની શક્યતા હોય છે.

એન્ડ્રોઇડમાં તેની સામે રક્ષણ આપતા ઉપાયો આવી રહ્યા છે. એ કારણે આપણો સ્ક્રીન અન્ય લોકો સાથે શેર થઈ રહ્યો હોય ત્યારે પ્રાઇવેટ નોટિફિકશનમાંનું કન્ટેન્ટ સ્ક્રીન પર દેખાશે નહીં. ખાસ કરીને વિવિધ એપ્સમાંથી આપણા પર નોટિફિકેશનમાં આવતા ઓટીપી, સ્ક્રીન શેરિંગ ચાલુ હોય ત્યારે સ્ક્રીન પર આપોઆપ દેખાશે નહીં.

એ જ રીતે આપણું સ્ક્રીન શેરિંગ સેશન ચાલુ હોય એ દરમિયાન આપણે કોઈ એપ કે વેબસાઇટ પર જઇને તેમાં યૂઝરનેમ, પાસવર્ડ કે ક્રેડિટ કાર્ડ નંબર જેવી વિગતો આપવાનો પ્રયાસ કરીએ તો સિસ્ટમ આપોઆપ જાણી લેશે કે આ વિગતો અન્ય લોકોને બતાવવાની નથી. આથી એવે સમયે સ્ક્રીન પર દેખાતી વિગતો આપોઆપ દેખાવાનું બંધ થઈ જશે.

હાલમાં પિક્સેલ ફોન પર એવી સગવડ છે કે આપણે કોઈ સાથે સ્ક્રીન શેર કરીએ ત્યારે ફક્ત એક એપમાંનું કન્ટેન્ટ શેર કરી શકીએ. આખે આખો સ્ક્રીન અને તેમાં દેખાતી બધી વિગતો ખુલ્લી મુકાતી નથી. એ સગવડ હવે અન્ય ફોનમાં પણ આવી રહી છે. 

0 Response to "Android Phone: એન્ડ્રોઈડ ફોન બની રહ્યા છે વધુ સલામત"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

adx2

Iklan Bawah Artikel


11